શંકુઝ કેન્સર હોસ્પિટલમાં દક્ષાબેનની કેન્સર સામે જીત: આયુષ્માન કાર્ડ અને આધુનિક સારવારના સહારે કેન્સરને આપી મ્હાત
***

“કેન્સરની સારવાર લાંબી અને અત્યંત ખર્ચાળ હોય છે, પરંતુ સરકારના સંવેદનશીલ અભિગમ થકી પ્રાઇવેટ હોસ્પિટલમાં તદ્દન મફતમાં આ સારવાર મળી, તે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર.” — દક્ષાબેન પટેલ
**

કેન્સરની જટિલ તપાસ માટે અત્યંત જરૂરી એવો PET સ્કેન રિપોર્ટ, જેનો સામાન્ય ખર્ચ આશરે રૂ. ૨૦ હજાર જેટલો થાય છે, તે આયુષ્માન કાર્ડના લીધે તદ્દન મફતમાં કરી આપવામાં આવ્યો.
**

“જ્યારે તમને ખબર પડે કે તમને સ્તન કેન્સર છે, ત્યારે જીવન જાણે એક ક્ષણમાં થંભી જાય છે. પણ જ્યારે સરકારનો સાથ અને હોસ્પિટલનો માનવીય અભિગમ ભેગા મળી જાય, ત્યારે કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડવાની હિંમત બમણી થઈ જાય છે.” — આ સંવેદનશીલ શબ્દો છે હિંમતનગરના અત્રી ગ્રીન્સ વિસ્તારમાં રહેતા ૪૭ વર્ષીય દક્ષાબેન હરેશભાઈ પટેલના, જેમણે સંકટના સમયે આયુષ્માન કાર્ડ અને આધુનિક સારવારના સહારે કેન્સરને મ્હાત આપી છે.

દક્ષાબેન જણાવે છે કે, જ્યારે તેમને સ્તન કેન્સર હોવાનું નિદાન થયું, ત્યારે પરિવાર પર ચિંતાના વાદળો ઘેરાયા હતા. કેન્સરની સારવાર લાંબી અને અત્યંત ખર્ચાળ હોય છે. સામાન્ય રીતે લોકોને આવી સારવાર માટે અમદાવાદ જેવા મોટા શહેરો તરફ દોડવું પડે છે, જેમાં આર્થિક અને શારીરિક બંને પ્રકારની હાલાકી ભોગવવી પડે છે.

દક્ષાબેનના પરિવારે જ્યારે ખાનગી હોસ્પિટલ ‘શંકુઝ કેન્સર હોસ્પિટલ’ (સંકુલ) નો સંપર્ક કર્યો, ત્યારે તેમના જીવનમાં એક નવો વળાંક આવ્યો. હોસ્પિટલના તબીબો અને સ્ટાફે તેમને માત્ર તબીબી સારવાર જ નહીં, પરંતુ એક પરિવાર જેવો માનવીય સ્પર્શ અને હૂંફ આપ્યા. શંકુઝ કેન્સર હોસ્પિટલમાં દક્ષાબેનની સારવાર સરકારની આયુષ્માન ભારત યોજના અંતર્ગત તદ્દન મફતમાં શરૂ થઈ. કેન્સરની જટિલ તપાસ માટે અત્યંત જરૂરી એવો PET સ્કેનનો રિપોર્ટ, જેનો સામાન્ય ખર્ચ આશરે રૂ. ૨૦ હજાર જેટલો થાય છે, તે આયુષ્માન કાર્ડના લીધે તદ્દન મફતમાં કરી આપવામાં આવ્યો.

અમદાવાદથી આવેલા નિષ્ણાત કેન્સર સર્જનો દ્વારા દક્ષાબેનની સફળ સર્જરી કરવામાં આવી. કેન્સરને જડમૂળથી ખતમ કરવા માટે કીમોથેરેપી ખૂબ જરૂરી છે. અગાઉ આયુષ્માન કાર્ડ અંતર્ગત ૬ જેટલી થેરેપી વિનામૂલ્યે મળતી હતી, પરંતુ મેડિકલ કાઉન્સિલના અભિપ્રાયને ધ્યાને લઈ, નાગરિકોની સુવિધા માટે સંવેદનશીલ અભિગમ દાખવીને સરકારે ૧૭ જેટલી મોંઘી કીમોથેરેપીની સારવાર પણ આયુષ્માન કાર્ડ અંતર્ગત તદ્દન ફ્રી કરી આપી છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી શંકુઝ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દક્ષાબેન હોસ્પિટલની સ્વચ્છતા, ડોક્ટરોની નિપુણતા અને સ્ટાફની સંવેદનશીલતાથી અત્યંત પ્રભાવિત છે. તેઓ ભાવવિભોર થઈને જણાવે છે કે: “અમારે સારવાર માટે અમદાવાદ ધક્કા ખાવા નથી પડ્યા કે નથી કોઈ મોંઘો ખર્ચ કરવો પડ્યો. ઘરઆંગણે જ આવી ઉત્તમ અને મફત સારવાર મળી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આયુષ્માન કાર્ડ આશીર્વાદ સમાન છે. ૧૭ જેટલી કીમોથેરેપી અને ઓપરેશનનો તમામ ખર્ચ માફ કરીને સરકારે મારા જેવા કેટલાય દર્દીઓને નવજીવન આપ્યું છે, તે બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.”
કેન્સર સામેની જંગ જીતનારા દક્ષાબેન આજે સમાજ માટે એક મોટી પ્રેરણા બન્યા છે. તેઓ અન્ય લોકોને સંદેશ આપતા કહે છે: “કેન્સરથી ડરવાની કે હિંમત હારવાની બિલકુલ જરૂર નથી. જો તમને કેન્સરના કોઈ પણ લક્ષણો દેખાય, તો ગભરાયા વગર તરત જ તપાસ કરાવો. આજે સરકાર આપણી સાથે છે, આયુષ્માન કાર્ડ આપણી પાસે છે અને શંકુઝ જેવી શ્રેષ્ઠ ખાનગી હોસ્પિટલોમાં પણ મફત સારવાર ઉપલબ્ધ છે. હકારાત્મક અભિગમ રાખો, કેન્સર સામે લડો અને વિજય મેળવો!”



