મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ડૉ. મનીષાબેન વકીલે સાબરકાંઠા જિલ્લાની મુલાકાત લીધી

આંગણવાડી કેન્દ્રો અને નારી સંરક્ષણ ગૃહની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા બેઠક યોજી
માત્ર નોકરી સમજીને નહીં, પણ માતૃત્વની ભાવના સાથે બાળકોના પોષણ અને વિકાસની ચિંતા કરીએ -મંત્રીશ્રી ડૉ. મનીષાબેન વકીલ

સાબરકાંઠા જિલ્લાના ૧૯૨૩ આંગણવાડી કેન્દ્રોની માળખાકીય સુવિધાઓ અને કુપોષણ નાબૂદી અભિયાન અંગે સમીક્ષા બેઠક યોજાઈ
ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને
અધિકારિતા વિભાગના મંત્રીશ્રી ડૉ. મનીષાબેન વકીલ સાબરકાંઠા જિલ્લાના એક દિવસીય પ્રવાસે
પધાર્યા હતા. આ પ્રવાસ દરમિયાન મંત્રીશ્રીએ જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ-૭ આંગણવાડી કેન્દ્ર,


હિંમતનગરના કસ્બા છાપરિયા આંગણવાડી કેન્દ્ર તેમજ નારી સંરક્ષણ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઈ ઉપલબ્ધસુવિધાઓ, રસોડાની વ્યવસ્થા અને સેવાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. ત્યારબાદ, હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી.
મંત્રીશ્રી ડૉ. મનીષાબેન વકીલે આંગણવાડીના ભૂલકાઓ સાથે અત્યંત સ્નેહપૂર્વક સંવાદ કર્યો હતો. આંગણવાડીમાં બાળકોએ પ્રાર્થના પ્રસ્તુત કરી હતી, જે બાદ મંત્રીશ્રીએ બાળકોનો શારીરિક અને માનસિક પાયો આંગણવાડી સ્તરેથી જ મજબૂત બને તે વાત પર ભાર મૂકતા મંત્રીશ્રીએ સ્વયં બાળકોના વજન અને ઊંચાઈના માપનની પ્રક્રિયા નિહાળી હતી અને રસોડાની મુલાકાત લઈ પૌષ્ટિક આહારના વિતરણ અંગે ખાતરી કરી હતી

મંત્રીશ્રીએ સમીક્ષા બેઠકમાં ખાસ જણાવ્યું હતું કે, ગુજરાત આજે દેશભરમાં વિકાસનું રોલ મોડેલ છે ત્યારે આંગણવાડીઓમાં શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં સરકાર કોઈ કસર બાકી રાખશે નહીં. ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ (ટ્રાયબલ) વિસ્તારોમાં કુપોષણ નાબૂદી માટે વિશેષ ઝુંબેશ ચલાવવા તેમણે તાકીદ કરી હતી. તેમણે આહવાન કર્યું હતું કે, કુપોષણ મુક્ત સમાજના નિર્માણ માટે માત્ર સરકારી તંત્ર જ નહીં, પરંતુ સ્થાનિક મહિલા મંડળો, ગામના વડીલો અને ચૂંટાયેલા પદાધિકારીઓને સાંકળીને લોકભાગીદારી (જનઆંદોલન) ઊભી કરવામાં આવે અને દરેક જવાબદાર નાગરિક નિયમિતપણે આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લે.

વધુમાં તેમણે ઉમેર્યુ કે, આંગણવાડીના બાળકો એ આપણા રાજ્યનું અને દેશનું ભવિષ્ય છે. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માત્ર નોકરી કરી રહ્યા છે તેવી ભાવના રાખવાને બદલે એક માતા તરીકે આ બાળકોની સંભાળ રાખે તે જરૂરી છે. જો બાળક શારીરિક રીતે સક્ષમ હશે, તો જ તેનો માનસિક વિકાસ ઉત્તમ થશે. નાની- નાની બાબતોનું ધ્યાન રાખી, પોષણ ટ્રેકર, (Poshan Tracker) એપ્લિકેશનમાં સમયસર સાચા આંકડા નોંધવા અને સરકાર દ્વારા અપાતા ટેક હોમ રેશન (THR) ની પોષણક્ષમ રેસીપી દિલથી તૈયાર કરી બાળકો સુધી પહોંચાડવી એ આપણી નૈતિક જવાબદારી છે.

આ સાથે રૂ. ૧૬ લાખના ખર્ચે બનનારા ૫૦ નવીન આંગણવાડી મકાનોની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. રૂ. ૧૮ લાખના અંદાજિત ખર્ચે તૈયાર થનારા અન્ય ૧૨૦ જેટલા મોડેલ આંગણવાડી કેન્દ્રોના આયોજન અંગે મંત્રીશ્રીએ જરૂરી વહીવટી વેગ આપવા સૂચના આપી હતી.તેમજ જ્યાં સુધી નવીન મકાનો તૈયાર ન થાય સુધી બાળકોની સલામતી અગ્રતા પર રાખીને, ભાડાના કે જર્જરિત મકાનોના સ્થાને નજીકની ઉપલબ્ધ યોગ્ય સરકારી પ્રાથમિક શાળાઓ કે અન્ય સરકારી બિલ્ડીંગોમાં આંગણવાડીઓ તુરંત શિફ્ટ કરી કાર્યરત કરવા મંત્રીશ્રીએ સ્પષ્ટ આદેશો આપ્યા હતા.

આ સમીક્ષા બેઠકમાં સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.પી. પટેલ, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી તેમજ મહિલા અને બાળ વિકાસ અધિકારી સુશ્રી ત્રીવેદી, જિલ્લા અગ્રણી શ્રી કનુભાઇ પટેલ સહીત જિલ્લાના આઇ.સી.ડી.એસ. વિભાગના સી.ડી.પી.ઓ ઉપસ્થિત રહ્યા હતા.


૦૦૦૦૦૦૦


