હુન્નરમંદ હાથ….આત્મનિર્ભરતાનો રાહ
૦૦૦૦૦૦૦
હિંમતનગર કાંકણોલના બળદેવભાઇ પ્રજાપતિ ચાકળાથી બદલ્યું ‘જીવન ચક્ર’ !

૦૦૦૦૦૦૦૦૦
બળદેવભાઇ માટીના માટલાથી લઈ અવનવી સુશોભનની કલાત્મક વસ્તુઓ બનાવે છે જે લોકોને ખૂબ પસંદ આવી રહી છે

૦૦૦૦૦૦૦૦
હુન્નરમંદ હાથને સરકારનો સાથ : મેળાના માધ્યમથી હુન્નરમંદોને મળ્યું પ્લેટફોર્મ

૦૦૦૦૦૦૦૦૦
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાંકણોલ ગામના બળદેવભાઇ પ્રજાપતિ ૩૫ વર્ષથી માટી કામ સાથે જોડાઇને માટલા, દિવડા, માટીના વાસણ, કુલડી, પક્ષીઓના માળા, ગુલ્લક, પાણીની બોટલ, ફુલદાની, કુંડા વગેરે ગૃહ સુશોભનની કલાત્મક વસ્તુઓ બનાવી તેમના જીવનમાં ‘સમૃદ્ધિ અને સન્માન’ નો નવો ઉજાસ પાથરી રહ્યા છે.

મૂળ મહેસાણાના વતની અને છેલ્લા ૧૫ વર્ષથી હિંમતનગર સ્થાયી થયેલા બળદેવભાઇ જણાવે છે કે, તેમણે માટી કામની તાલીમ પીલવઈ ખાતે મેળવી ૧૫ -૧૭ વર્ષની ઉંમરથી તેઓ આ કામ સાથે જોડાયા હતા. હાલ તેઓ પોતાના દિકરા સુરેશભાઇ સાથે મળી કાંકણોલ ખાતે કલાત્મક વસ્તુઓનું નિર્માણ કરી સ્થાનિક બજારમાં તેમજ ઘરેથી સીધુ વેચાણ કરે છે.

વધુમાં બળદેવભાઇ જણાવે છે કે, તેઓ આ વાસણ- વસ્તુઓ બનાવવા માટેની માટી મહેસાણા ખાતેથી મંગાવે છે અહીં આ માટીને મશીન દ્રારા તૈયાર કરાય છે. તેઓ પોતાના ઘરેથી આ કલાત્મક વસ્તુઓનું હોલસેલ અને છૂટક વેચાણ કરી રહ્યા છે. સાથે સાથે સરકાર દ્રારા અમારા જેવા નાના કારીગરોને બજાર મળે તે માટે મેળાઓનું પણ આયોજન કરાય છે. જેમાં અમને અમારી વસ્તુઓનું યોગ્ય વળતર મળતુ થયુ છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રીના આત્મનિર્ભર ભારતના આહ્વાનને લઈ અમે નાના કારીગરો ખુબ ખુશ છીએ. સ્વદેશી વસ્તુઓને અપનાવવાની અપીલ કરતા વડાપ્રધાને સ્થાનિક વસ્તુઓનું ઉત્પાદન કરતા અમારા જેવા કારીગરોને કમાવા માટેની તક આપી છે. જેથી સ્થાનિક લોકોમાં આ વસ્તુઓની ખરીદી માટે ઉત્સાહ વધ્યો છે.



