શક્તિ, કૌશલ્ય અને સ્વાવલંબન: ગ્રામ વિકાસ એજન્સી થકી ગ્રામીણ મહિલાઓના આર્થિક ઉત્થાનની એક સફળ ગાથા

ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કૌશલ્યને યોગ્ય મંચ મળતા એક વર્ષમાં ૮૮ મેળાઓ દ્વારા મહિલા જૂથોએ ૧૩ લાખથી વધુની કમાણી કરી

આર્થિક સ્વાવલંબન અર્થે સાબરકાંઠાના ૩૦૩૩ મહિલા જૂથોને ૬૨ કરોડથી વધુનું ધિરાણ અપાયું

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ માત્ર ઉજવણીનો અવસર નથી, પરંતુ વર્ષ દરમિયાન મહિલાઓના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનને મૂલવવાનો દિવસ છે. આ સંદર્ભમાં ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જાન્યુઆરી ૨૦૨૫ થી ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન કરવામાં આવેલી વિભાગીય કામગીરીના આંકડાઓ સ્પષ્ટ કરે છે કે, સરકારી યોજનાઓના માધ્યમથી ગ્રામીણ નારી આજે આત્મનિર્ભરતાના પંથે પ્રયાણ કરી રહી છે.

વર્ષ 2025 દરમિયાન ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા અને તેમના કૌશલ્યને યોગ્ય મંચ પૂરું પાડવા માટે અનેકવિધ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

વર્ષ ૨૦૨૫ દરમિયાન આયોજિત વિવિધ સ્વદેશી મેળાઓ ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. જેમાં મુખ્યત્વે ‘રાખી મેળો’, ‘સખી દીપાવલી મેળો’, ‘સ્વદેશી મેળો’ અને ‘સશક્ત નારી મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચાર મેળાઓમાં કુલ ૮૮ જેટલા મહિલા જૂથોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રદર્શનોના માધ્યમથી મહિલાઓએ પોતાની હસ્તકલા અને ઉત્પાદનોનું વેચાણ કરીને કુલ ૧૩,૧૦,૦૨૫ (તેર લાખ દસ હજાર પચ્ચીસ) રૂપિયાની માતબર આવક મેળવી છે. ખાસ કરીને ‘સશક્ત નારી મેળા’માં ૫૦ જૂથોના સહયોગથી ૧૦.૫૦ લાખથી વધુનું વેચાણ થવું એ નારી શક્તિની વ્યાપારી ક્ષમતાનો પુરાવો આપે છે.

ધિરાણ અને સહાય દ્વારા આત્મનિર્ભરતા માત્ર બજાર વ્યવસ્થા જ નહીં, પરંતુ મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક પીઠબળ પૂરું પાડવામાં પણ એજન્સી અગ્રેસર રહી છે. વર્ષ દરમિયાન કુલ ૩૦૩૩ મહિલા જૂથોને ‘કેશ ક્રેડિટ’ સુવિધા હેઠળ ૬૨૧૦.૬૨ લાખ (૬૨ કરોડથી વધુ) રૂપિયાનું ધિરાણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, પશુપાલન ક્ષેત્રે પણ ૨૮૨ જેટલા કેસોમાં ૧૯૭ લાખ રૂપિયાનું બેંક ધિરાણ મંજૂર કરવામાં આવ્યું છે, જે મહિલાઓને પશુપાલન દ્વારા આજીવિકા મેળવવામાં મદદરૂપ થશે.

કૃષિ અને તાલીમ ક્ષેત્રે વિશેષ પહેલ ગ્રામીણ અર્થતંત્રના પાયા સમાન કૃષિ અને પશુપાલન માટે પણ વિશેષ જોગવાઈઓ કરવામાં આવી હતી. ‘આત્મા પ્રોજેક્ટ’ અંતર્ગત ૫૯૮ લાભાર્થીઓને ગાય નિભાવ ખર્ચ માટે ૩૨.૨૯ લાખ રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવી છે. આ સાથે જ મહિલાઓના કૌશલ્ય વર્ધન માટે બાગાયત વિભાગના સહયોગથી ‘કેનીંગ તાલીમ’ (ફળ-શાકભાજી સંરક્ષણ તાલીમ) પણ આપવામાં આવી હતી, જેમાં ૨૨૫ મહિલાઓએ ભાગ લઈને રોજગારીની નવી તકો મેળવી છે. આમ, ગ્રામ વિકાસ એજન્સીના આ સઘન પ્રયાસો મહિલા સશક્તિકરણની દિશામાં કરવામાં આવતી સતત અને મક્કમ કામગીરીનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.





